સુરજ દેવળ કાઠિઓના બલિદાન
વિક્રમ સંવત ૧૭૪૮ વૈશાખ સુદ એકમ બીજ અને ત્રીજ
મોગલ સલ્તનતની પરંપરા મુજબ ઔરંગઝેબે પોતાના પિતા શાહજહાંને કેદ કરી દિલ્હીની ગાદી કબજે કરી. ઔરંગઝેબે ગાદીનશીન થતા જ પોતાના ભાઈ-ભત્રીજાઓની હત્યા કરી મોગલ ગાદીના કોઈ વારસદાર જીવતા છોડ્યા ન હતા. ઔરંગઝેબે મોગલ પરંપરા વિરુદ્ધ કટ્ટર મુસ્લિમ વલણ અપનાવતા પ્રજાને હિંદુ-મુસ્લિમ એવા બે ભાગમાં વહેંચી દીધી હતી. એ સાથે મુસ્લિમ ધર્મના પ્રસાર માટે ઔરંગઝેબે જોર-જુલમ સાથે ભેદભાવભર્યા મુંડકા, જજીયા, યાત્રાળુ જેવા કરવેરા નાંખી હિંદુ પ્રજામાં હીનતા સાથે અન્યાય અને ભયની લાગણી ફેલાવવામાં કોઈ કસર છોડી ન હતી. વાર-તહેવારો, ધુપ-ધ્યાન, આરતી, જાહેરમાં ધાર્મિકક્રિયા, શોભાયાત્રા, બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રવાંચન, સત્સંગ, ભજન-કીર્તન, ધાર્મિકમેળા વગેરે ઉપર પ્રતિબંધ મૂકી અસંખ્ય વડવાઈઓથી શોભતા ઘેઘૂર વડલા જેવા સનાતનધર્મને મૂળમાંથી ઉખેડી નાંખવા ધર્માંધ ઔરંગઝેબે સામ-દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી એ સાથે કાશી-મથુરાના મંદિરો તોડી પાક મુસ્લિમ તરીકે પોતાને જાહેર કર્યો. ધર્મ આધારિત ભેદભાવ ભરી રાજનીતિના કારણે સમગ્ર ભારતવર્ષમાંથી ઔરંગઝેબ સામે વિરોધ ઊઠ્યો હતો, પંજાબમાં ગુરુ ગોવિંદસિંહે શીખસેના ઉભી કરી, તો માળવા-મેવાડમાંથી વીર દુર્ગાદાસે તેને પડકાર્યો હતો. મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજીએ ઔરંગઝેબના સામ્રાજ્યને મરાઠાવાડમાં હચમચાવી દેતા તે દક્ષિણ સુધી લાંબો થયો હતો. આવા સમયે કાઠીઓ ચૂપ કેમ રહી શકે ? ધંધુકાથી લઈ અમદાવાદના પાદરમાં આવેલ સરખેજ સુધી કાઠીઓના કટક મોગલોનો રાજકોષ લૂંટી પોતાની ધાક જમાવી રહ્યા હતા.
છત્રપતિ શિવાજીને પકડવા સહ્યાદ્રી પર્વતમાળામાં રઝળપાટ કરી રહેલા ઔરંગઝેબે ગુજરાતના મોગલસૂબાને આદેશ આપી સોમનાથનું તૂટેલું શિવમંદિર ફરીથી તોડાવેલ. તો થાનગઢમાં આવેલ કાઠીઓના આરાધ્યદેવ શ્રીસૂર્યનારાયણ અને દ્વારકામાં આવેલ શ્રીદ્વારકાધીશના મંદિરો તોડવાના ફરમાનો જારી કર્યા હતા. શહેનશાહ ઔરંગઝેબનું ફરમાન મળતા ગુજરાતના મોગલસૂબા સુજાતખાન વિ. સં. ૧૭૮૪માં વિશાળસેના સાથે ઝાલાવાડની બાકી ખંડણી વસુલ કરી થાનગઢમાં આવેલા અજવાળાના આધાર સમા ભગવાન શ્રીસૂર્યનારાયણના મંદિર ઉપર આક્રમણ કર્યુઁ. કાઠીઓએ પોતાના આરાધ્યદેવ ભગવાન શ્રીસૂર્યનારાયણનું મંદિર તોડવાના મોગલ સમ્રાટના ફરમાનની જાણ થતા સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રમાંથી કાઠીઓ મોગલસેના સામે બાથ ભીડવા થાનગઢ તરફ ચાલી નીકળ્યા. મોગલોની અમાપ સૈન્યશક્તિ સામે કાઠીઓની કોઈ વિસાત ન હતી, પરંતુ ધર્મરક્ષા માટે માથે કફન બાંધી કાઠી જવાંમર્દો ચાલી નીકળ્યા. મોગલોની વિરાટ સૈન્ય તાકાત જોઈ શ્રીસૂર્યનારાયણ મંદિરને તૂટતું બચાવવા કાઠીઓની મદદ કરવા કોઈ હિંદુરાજા આગળ ન આવતા ભયંકર વાવાઝોડા જેવી મોગલસેના સામે કાઠીઓની તાકાતની કોઈ વિસાત ન હતી. પણ એમ હિંમત હારી જાય તેવા કાઠીઓ ન હોય ધર્મરક્ષા કાજે તેઓ મારવા’ને મરવા તલપાપડ થયા હતા. અમદાવાદથી નીકળેલો મોગલસૂબો સુજાતખાન બાકી ખંડણી ઉઘરાવતો ઝાલાવાડ થઈ થાનગઢ તરફ આગળ વધ્યો હતો. ઘૂઘવતા સાગર જેવી વિશાળ મોગલસેનાએ થાન નજીક આવેલ કંડોલ ટેકરી ઉપર આવેલા લાખાગઢ ખાતેના ઐતિહાસિક સૂર્યમંદિર ઉપર આક્રમણ કર્યું. ત્યારે સૂર્યમંદિર, થાનગઢ ખાતે સૌરાષ્ટ્રની ચોવીસેય પરજના ભેગા થયેલા કાઠીઓએ વિક્રમ સંવત ૧૭૪૮ના વૈશાખ માસની સુદ એકમના દિવસે મંદિર તોડવા આગળ વધેલી યવનસેનાનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. વિરાટ સામે વામનનું આ યુદ્ધ હતું. વૈશાખસુદ એકમથી લઈ ત્રીજ સુધી ચાલેલા આ ભયાનક યુદ્ધમાં કાઠીઓએ મોગલસેનાને હંફાવી દેવામાં કોઈ કચાશ છોડી ન હતી. જોકે વિશાળ મોગલસેના સામે લાંબા સમય સુધી ટકી રહેવું કાઠીઓને મુશ્કેલ લાગતા મંદિરની મૂર્તિઓ સલામત સ્થળે ખસેડી તેઓએ કેસરીયા કર્યા હતા.
ત્રણ દિવસના લોહીયાળ જંગમાં મોગલ સેનાના અનેક સૈનિકોને મોતને ઘાટ ઉતારી કાઠીઓ છેલ્લા શ્વાસ સુધી લડતા લડતા વીરગતી પામ્યા. સુજાતખાને અનેક સૈનિકોના ભોગે વિજય મેળવી સૂર્યમંદિરમાં પ્રવેશ કરતા મૂર્તિ વગરનું મંદિર જોતા તેણે ક્રોધીત થતા મંદિરને મૂળમાંથી તોડી પાડવાનો આદેશ કર્યો. સુજાતખાને સૂર્યમંદિર તોડી થાનગઢમાં મોગલ થાણું મૂકી તે પાછો ફર્યો હતો. મોગલસૂબાએ કાઠીઓ સાથેના યુદ્ધમાં ભારે જાનહાની ભોગવતા તે શ્રીદ્વારકાધીશનું મંદિર તોડવા સમર્થ રહ્યો ન હતો. ત્યારે બીજીબાજુ મારવાડ-મેવાડના વીર દુર્ગાદાસ રાઠોડે મોગલસેનાએ સૂર્યમંદિર ઉપર કરેલ આક્રમણના સમાચાર સાંભળી કાઠીઓની મદદે રણ ઓળંગી આવી પહોંચતા ગેરીલા હુમલા સાથે મોગલસૂબાને ભીડાવ્યો હતો. કાઠીઓએ અનેક બલિદાન આપવા છતાં ભગવાન શ્રીસૂર્યનારાયણનું મંદિર બચાવી ન શકતા તેઓ દુ:ખી થયા, પરંતુ હારના કારણે નિરાશ થઈ હાથ ઉપર હાથ રાખી કાઠીઓ બેસી રહે તેવા નબળા ન હતા. કાઠીઓને થાનગઢનું મોગલ થાણું આંખના કણાની જેમ ખટકતું હોય તેના ઉપર સતત હુમલા કરી પાંચ-સાત વર્ષમાં તે પાછું મેળવી લીધું, તેવું જૂના સૂરજદેવળ ખાતે જોવા મળતા પાળીયાઓ ઉપરના લખાણો પરથી સ્પષ્ટ થાય છે. પાળીયાના લખાણ મુજબ સમય નિયત કરતા તારીખ ૨૨ એપ્રિલ ૧૬૯૬ના દિવસે અભિરાજજીના પ્રપૌત્ર સંગરામજી તથા અન્ય પાળીયામાં તારીખ ૧૯ સપ્ટેમ્બર ૧૭૦૧માં શહીદ થયેલા કાઠીવીરોની નોંધો આ વાતને સમર્થન આપે છે. જોકે હળવદના રાજા અભેસિંહજી ઝાલાએ છેલ્લે થાન પોતાના કબજામાં લેતા સન 1947 સુધી તે ઝાલાઓના કબજામાં રહ્યું હતું.
ઔરંગઝેબની ધર્માંધ અને હિંદુધર્મ પ્રત્યેની ભેદભાવભરી નીતિને કારણે મોગલ સલ્તનતમાં ચારેબાજુ વિદ્રોહની જવાળા ફાટી નીકળેલી. ઔરંગઝેબે પોતાના ભાઈઓ અને ભત્રીજાઓની હત્યાઓ કરી ગાદી કબજે કરી, એ સાથે તે આજીવન લોહીયાળ જંગ ખેલતો રહ્યો તોય પોતાના પૂર્વજોએ સ્થાપેલ મોગલ સત્તાને નબળી પડતા બચાવી શક્યો ન હતો.
ઔરંગઝેબ પોતાની ભેદભાવ ભરેલ નીતિઓને કારણે સતત સંઘર્ષમય જીવન સાથે ઉંમર અને બીમારીથી અશકત થતા નિરાશાથી ઘેરાયો હતો. ત્યારે હિંદુસ્તાનના વિશાળ મોગલ સામ્રાજ્યનો માલિક ઔરંગઝેબ એકલા હાથે વિશાળ મોગલ સલ્તનતને સંભાળી ન શકતા વિદ્રોહની આગ બુઝાવવા સેના સાથે ચારેબાજુ દોડી રહ્યો હતો, એ દરમિયાન ઇ.સ. 1707માં મહારાષ્ટ્રમાં આવેલા ઔરંગાબાદ નજીક મોગલ સમ્રાટ ઘોર નિરાશા સાથે મૃત્યુ પામ્યો હતો. ઔરંગઝેબના મૃત્યુ સાથે મોગલ સલ્તનત નબળી પડતા કાઠીઓએ થાનગઢ ફરી કબજે કરી સૂર્ય મંદિરનો જીર્ણોદ્ધાર કરતા ઈરાની અસર દર્શાવતી અસલ મૂર્તિઓ તેના મૂળ સ્થાને સ્થાપી.
એક મંતવ્ય મુજબ કાઠીઓ પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીસૂર્યનારાયણનું મંદિર બચાવી ન શકતા ખૂબ દુ:ખી થયા. અને પ્રાયશ્વિતરૂપે વિ. સં. ૧૭૪૮ના વૈશાખસુદ ૧, ૨, અને ૩ના ત્રણ દિવસ સુધી મોગલસેના સાથે થયેલા યુદ્ધમાં શહીદ થયેલા કાઠીવીરોની કાયમી યાદ રાખતા શ્રીસૂર્યમંદિર, સૂરજદેવળ ખાતે ભેગા થાય છે, અને આ ધર્મયુદ્ધમાં શહીદ થયેલા કાઠી સપૂતોને શ્રદ્ધાંજલી આપવા આ ત્રણ દિવસના કઠોર ઉપવાસ કરી સદીઓ જૂની પરંપરાને જાળવી રાખી છે.
શત શત નમન બધા શૂરવીરોને જય સુર્ય નારાયણ જય માતાજી જય હિંદ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો