ગુજરાત ના કડીમાંથી ગાયકવાડ સરકાર સાથેના કલહનું સળગતુ પૂછડુ લઈ ને કડી નો મલ્હારરાવ કાઠીયાવાડમાં પેઠો ગાયકવાડ સરકાર સામે કડી ના ગોંદરે એણે બાયો ચડાવી તોપો અને શસ્ત્રોનો તાસેરો બોલાવ્યો પણ આખરે ગાયકવાડની વિશાળ સેના અને કુનેહ ભરેલા વ્યૂહ આગળ ભુંડાઇની હાર ખાધી છતાય બળેલી સીદરીએ વળ ન મેલ્યો
ગાયકવાડનો ચમચમતો તમાચો ગાલ માથે ચંચવાળતો ચંચવાળતો મલ્હારરાવ લાગ મલે તો ઢિકો મારી લેવાની મેલી મુરાદ લઈને કાઠીયાવાડના ધીંગા કાઠી જાગીરદારો સાથે સંતલસે ગૂંથાનો તોપોના કાનમાં ખિલા મારી દે એવાં ધીંગા જાગીરદારો નો સાથ એણે ચાહ્યો. રેડી ની જેમ વરસતા અષાઢની જેમ હપ્તે હપ્તે એ તરખાટ મચાવે છે એનું બૂમરાણ ઠેઠ વડોદરાના રાજ મહાલયોમાં પડઘાય છે વિશાળ અજગરની જેમ કાઠીયાવાડની ધરતી ઉપર પથરાયેલ ગાયકવાડી રીયાસત ને મલ્હારરાવ છેડ્યા કરે છે કીડી વ્રુતીના મલ્હારરાવ ક્યારેક પૂંછડીએ તો ક્યારેક છેક મોં પર ચટકો ભરી જાય છે અને વિશાલ રાજય ને અજંપો આપી જાય છે સૂરજ ઉગે છે વડોદરા રાજમહાલય ના પ્રાંગણમાં મલ્હારરાવના નામની મોકાણ સંભળાય છે
છેવટે નાક ચણા છૂટેલ ગાયકવાડે પાડા ના વાંકે પખાલી ને ડામ દેવાનો નિર્ણય કર્યો રાજના સેનાપતિ ના હાથમાં વાહો ઉતરડી નાખે એવા ચાબૂક અંબાવ્યા, પાંચ હજારનું લશ્કર વિઠોબાના હાથમાં સુપરદ કરીને હૂકમ દીધો કે કાઠીયાવાડના કાઠી રજવાડા અને નાનેરા જાગીરદારો નો ક્ડુસલો વાલી દ્યો, હાથીના પગે બાંધી એના હાડકા ખોખરા કરી નાંખો મલ્હારાવને જેણે જેણે આશરો દીધો છે એની ચામડી ઉતરડી નાખો, ન રહે વાંસ અને ન વાગે વાસળી. જેની પાસે બાકી છે એની ખંડણી વસૂલો અને નવાબ ઉપર પણ ત્રણ ઘણી ખંડણી નાંખો અને ન આપેતો એની જાગીરો લીલામ કરો એની સાહ્યબી ને સળગાવો લડાઈના નોતરા આપી ને ગાયકવાડ સામે મેદાને ઉતારો ગાયકવાડી તોપોએ માથાભારે થઈ બેઠેલ જાગીરદારો ને ગાડે બાંધીને ચીરી નાંખો કાઠીયાવાડ નો છેડો છેડો એક વાર ઉતરડી નાંખો ગાયકવાડ જેવી વિશાલ રીયાસતના છમકલા કરનારની છાતી માથે હાથી ચલાવો
વિઠોબા ના ભવા ઊંચા થયાં ફક્ત મલ્હારરાવ ને કારણે ગાયકવાડી રેક્ડામાં તોતિંગ તોપો ચડી ફોજના પાંચ હજાર અરબી ઘોડા લાદના લિંડોરાના ઢગલા કરતા પૂછડા ના જડા ઊંચા લઈને કાઠીયાવાડ ના જાપે આવીને હણહ્ણ્યા. હાથી ઘોડા ઊંટો અને તોપગાડીઓનો જમેલો આગળ વધ્યો બંદૂકો ભાલાઓ તલવાર બરછીઓનો મેઘ કાઠિયાવાડની ધરતી ઉપર મંડરાયો
સૂરજ ઉગે છે અને ધીંગાણાના ત્રામ્બાલુ ધડુકે છે સિંધુડો ફૂંકાય છે. ચપટી મુઠ્ઠી ગીરાસ ધરાવતા ગીરાસદારો ઉપર ત્રમજૂટ બોલી ગઈ નાનકડા એવા ખાબોચીયામાં કીલ્લોલ કરતી માછલીઓ ઉપર જાણે મગરમચ્છએ દોટ મેલી..... ભાગો ...મારો... કાપો નું બુમરાણ આગલ વધ્યે આવે છે કુંડલાની જાગીર ઉપર શાંતિનો માંડ શ્વાસ પામેલ આપા જોગીદાસ ખુમાણને ગાયકવાડી હોનારતના ખબર મળ્યા, જોગીદાસે ડહાપણનો આશરો લીધો ખાચર ખુમાણ અને વાળા ત્રણેય પરજને કુંડલાના આંગણે નોતરી આ ત્રણેય પરજમાંથી ડાહ્યા ગણાતા માણસોની સલાહ લઈને આવી પડેલ ગાયકવાડી કોપ ની સામે શુ જવાબ વાળવો તે નકકી કરતા આ સભામાં ચલાલાથી સંત આપો દાનો પણ પધાર્યા છે.
આ સભામાં ઉભા થઈ ને એક પછી એક સમસ્યા જોગીદાસ રજુ કરે છે અનુભવી વડેરાઓના ધોળા નેણ ઊંચા થાય ને કપાળે કરચલીઓ ઉભરાય છે. ગાયકવાડી તોપો ના કાન માં ખિલા ધરબી દ્યો જોગિદાસ સભાના એકાદ ખૂણામાંથી લડી લેવાની શીખ મળે છે ...ના.. ના.. ગાયકવાડ ની સામે આપણે ગેરિલા રીત થી લડીએ એવાં પણ મંતવ્ય આવે છે તો વલી કોક કે ગાયકવાડ કાળો નાગ છે એની સામે ન લડાઈ એવો મત પણ આપે છે તો ડાયરોમાંથી ગાયકવાડ ને ખંડણી આપી દેવી એવું પણ કે છે. આખી સભામાંથી ‘ટુંડે ટુંડે મતી ભિન્ન’ જેવી સલાહ મળે છે તેમાથી એકેય જોગીદાસ ને માન્ય લાગતી નથી એટલે જોગીદાસ આખી સભામાં આપાદાના ઉપર નજર કરે છે. અને આપા દાના ને જોગીદાસ પૂછે છે આપ તો વયોવૃદ્ધ છો સંત છો આપ કેમ ચૂપ છો ત્યારે દાનબાપુ કે છે આમા હુ શુ કરુ આ તો તમારી જાગીરીવાતૂ છે હુ તો ફકીરી નો માણસ.
ત્યારે જોગીદાસે આગ્રહ કર્યો કે આટલા બધા નાના જાગીરદાર ને ગાયકવાડ હેરાન કરે છે આપ જોઇ શકો છો આ અન્યાય છે માટે કંઈક સલાહ તો આપો ત્યારે દાનબાપુ કે છે મને ધીંગાણા માં રસ નથી ત્યારે જોગીદાસ કે છે તમને સંત ને લડાઈ માં રસ નો હોઈ પણ કંઈક રસ્તો તો બતાવો આ સમસ્યામાંથી નિકળવાનો તો જોગીદાસ મારી સલાહ માન્ય રેહસે ને એવું આપા દાના બોલ્યા ત્યારે જોગીદાસ કે માનવા જેવુ હશે તો માનશુ ભગત. ત્યારે સભા ના એક ખૂણેથી ધીમે સ્વરે એક મશ્કરી આરંભાઈ આપો જોગીદાસ પણ ઠીક છે ને ? ધીંગાણાની વાત માં ભગત ની સલાહ માંગે છે ભગત શેની સલાહ આપે? કેહસે માલા ફેરવો. હા બા હા સાધુ કાં માંગે અને કાં મંગવે એ એ ભાલા તલવારૂ ની વાતૂ મેલી ને આપો જોગીદાસ ગોપીચંદન અને ગેરૂએ જઈ ઊભો રયો જો ...બાપ જોગા ખુમાણ વાત માન્ય હોઈ તો હાલો બધા ઉભા થાવ અને હાલો આપા દાનાએ પ્રસન્નતાથી કીધું જોગીદાસે આશ્ચર્યથી પૂછ્યુ કે કયા હાલે ભગત ? સભામાંથી મશ્કરી નો દોર શરૂ થયો હમણા ભગત કેહસે હાલો ચલાલા ની જગ્યામાં ટેલ કરો આપા દાનાને વસમાં વેણ સંભળાયા છતાય.. એ સમતા રાખી ને બોલ્યા હુ મોંગળ (આગળ). હાલો ન્યાત બધી પાછળ હાલે.. આપણે સૂરજદેવળ જાવી હુ સૂરજદાદા ને વિનવુ ઈ પરગટ થઈ જાય અને આપણને હથિયાર દઉ દે આપણો દુઃખ ભાંગુ જાય
"આપા દાના" જોગીદાસ મર્મ માં બોલ્યા આ કળીકાલ માં એવી વાતૂ તો કેમ મનાય ? સૂરજદેવ પ્રગટ થાય અને આપણને હથિયાર આપી દે તેવી વાત મારા માન્યામાં નથી આવતી
હાઉ’ બાપ! મારી સલાહ હુ મારી પાહે રાખતો સા આપા દાના દુઃખદ સ્વરે બોલ્યા મને લાગે છે કે માઠા દી આવિ રહ્યા છે બાપ ઇષ્ટદેવથી શ્રદ્ધા ગુમાવનાર નું શ્રેય નથી થાતું અને પોતાના પડછાયા જેમ કાયમ સાથે રેહનાર સુરા ખુમાણને સંબોધીને આપા દાનાએ કીધું ભણ્યૂ સુરાભગત ઉઠો આપણો કામ પૂરો થઉ ગયો આ સભામાં માળો અને તમળો કામ નસે બાપ.
આ સભામાંથી સુરાભગત ને લઈ આપા દાના ચલાલા તરફ ચાલતા થઈ ગયા બિજા દિવસે સુરાખુમાણ અને આપો દાનો બેઠા છે સૂરોખુમાણ કે હે બાપુ કાલ નો ગોટવાઉ છુ. એવી તે સુ ગોટવણી સુરા ભગત મમતાળુ હસતા આપા દાના બોલ્યા બોલો જોઇ બાપુ! આપે કુંડલાની સભામાં વાત કરી સૂરજદાદો પ્રસન્ન થઈ હથિયાર આપે. હા બાપ શુ કામ ન આપે ? આપણને અન્યાય થતો હોઈ આપણો હક્ક ડૂબતો હોઈ અને આપણા ઇષ્ટદેવને કરગરીએ તો આપણને જરૂર સહાય કરે. ખરું બાપુ પણ સૂરજદેવ પ્રગટ થાય ?
ન થાય સુરાભગત ? બાપુ આ કળજુગ હાલે સે સુરા ભગત હસ્યા
ભણ્યૂ સુરા ભગત કુંડલા ની સભામાં તો ઘણા નાસ્તિક હતા, ટીકાકાર હતા પણ તમણે કાઉ થઉગો ? મારી વાત માં શંકા આવી એમ કહી ને સુરાભગત ના ખંભે હાથ મૂકતા દાનબાપુએ કીધું ઊભો થા બાપ આજ તારી ભ્રાત ભાંગુ અને સુરા ખુમાણ ને લઈ પોતાની પૂજા ની ઓરડી માં દાન બાપુ લઈ ગયા બેસ બાપ દાનબાપુના પૂજા ના કબાટ આગળ બેય બેઠા. કબાટ ના ખાનામાં બાલક્રુષ્ણ ની પીતળ ની મૂર્તિ છે હાથમાં માખણનો પિંડો છે મૂર્તિ કબાટમાં બિરાજે છે આ શુ છે સુરા ખુમાણ બાલ ક્રુષ્ણની મૂર્તિ સામે આગલી ચીંધતા દાનબાપુએ સુરાભગત ને પૂછ્યુ. મૂર્તિ છે બાપુ સુરા ભગતે કીધું. સમજાણુ પણ મૂર્તિ શેની ? ધાતુની બાપુ સૂરજદેવળમાં સૂરજદાદા ની મૂર્તિ શેની છે ? આરસપથ્થર ની વાહ વાહ આપા દાના હસ્યા ધાતુ અને આરસ ની નિર્જીવતા તો સરખી ને સુરાભગત ? હા બાપુ બેય નિર્જીવ ગણાય મારો બાપ જો આ ધાતુની મૂર્તિ બોલે તો પથ્થરની બોલે કે ન બોલે ? હા બાપુ તો તો પથ્થરની બોલે જ તો હવે ધ્યાન રાખજો ભગત કહીને આપા દાનાએ બાલક્રુષ્ણની મૂર્તિ સામે હાથ જોડ્યા અને એને વિનંતી કરી કે ભણ્યૂ ગોપાલ! આ સુરા ભગત ની શંકા ટાળવી છે માટે દયા કરીને મારા ખોળામાં પધારો બાપ તમુ તો અધમ ઓધારણ છો ...વાહ મારો વાલિડો પૂજાના કબાટમાંથી પ્રથમ તો તેજ નો ધોધ પ્રગટ્યો સુરા ખુમાણ ની આખો અંજાણી.. એમ નહી ગોવિંદ આપે તો મૂર્તિ રૂપે જ પધારવાનું છે આપા દાનાએ વિનંતી કરી અમારે સુરા ભગત ને શંકા છે મૂર્તિ નથી બોલતી ઘનશ્યામ ની મૂર્તિ સળવળી. હા મારો બાપ પધારો ....પધારો કેશવ! સુરા ભગત ના અનહદ આશ્ચર્ય વચ્ચે ધાતુની બાલક્રુષ્ણ મૂર્તિ સિંહાસન ઊપરથી કટ કટ ઉતરી અને દાનબાપુ ના ખોળામાં આવી ને બેસી ગઈ . બોલો સુરા ખુમાણ હવે શુ પૂછવૂ છે ? પણ સૂરોખુમાણ સ્તબ્ધતાના પ્રદેશમાં સાવ અસમંજસ સ્થિતીમાં હતા એની જીભ ઉપડી નઇ. ભણ્યૂ ગોવિંદ આપા દાનાએ મૂર્તિને સંબોધી આપ હવે આપ ના આસને પધારો તમને કષ્ટ દીધી બાપ ..દાનાને માફ કરજો. જાવ પધારો. બાલક્રુષ્ણ ની મૂર્તિ જઈ સિંહાસને બેસી ગઈ. થોડી ક્ષણો પછી સૂરો ખુમાણ સ્વસ્થ થયાં ત્યારે એની આંખોમાંથી આંસુની ધારાઓ વહી ઓહોહો ....દાનબાપુ કુંડલાની સભાએ આપની સલાહ માની હોત તો આજ રીતે સૂરજદાદો પ્રગટ થાતને ? સૌ ઉન્નતિના શિખરે પોહચત હોં બાપુ.
એ બધી નસીબની વાતૂ છે સુરાભગત જગતમાં બધુ જ છે પણ નસીબ વગર પમાતુ નથી તમે હવે હરી ઊપર ભરોસો રાખજો સુરા ખુમાણ પેઢીઓ તરી જાશે બાપ આપા દાનાએ આશિર્વાદ આપ્યા
નોંધઃ આજે પણ પાડરસિંગાની જગ્યા ડેલીમાં પૂ .દાન બાપુનું ભવ્ય દેવળ ઉભુ છે એ ડેલી ભક્ત કોટી માં ગણાય છે ત્યાના દરબારો સુરા ખુમાણ ના વંશજો છે અને ધર્માચાર નું સંપૂર્ણ પાલન કરે છે.
કથાઃ નાનાભાઇ જેબલીયા(પુસ્તકઃ આપા દાના)
પ્રેષિતઃ કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન
PC: ભાવિક પરમાર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો